પ્લાસ્ટિક સર્જરી એટલે માત્ર કોસ્મેટિક સર્જરી નથી. તેમાં દાઝેલાની સારવાર, જન્મજાત ખોડખાંપણ, એક્સીડન્ટના ઘા, કપાયેલા હાથ-આંગળા જોડવાની માઈક્રોસર્જરી, કેન્સર પછીનું પુનઃસર્જન અને ન રૂઝાતા ઘાની સારવારનો પણ સમાવેશ થાય છે. આ પાના પર સુરતના પ્લાસ્ટિક સર્જન ડૉ. આશુતોષ શાહે (M.S., M.Ch. Plastic Surgery, DNB) લખેલી ગુજરાતી પુસ્તિકાની માહિતી આપેલી છે, જેથી દર્દીઓ અને તેમના પરિવારને યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવામાં મદદ મળે.
મુલાકાત માટે એલિગન્સ ક્લિનિક (અડાજણ અને વેસુ, સુરત) નો સંપર્ક કરો: +91 83205 00350.
'પ્લાસ્ટિક સર્જરી' આ શબ્દ ૨૧મી સદીના સમયમાં પણ જાણે મોટી માયાજાળ હોય તેવું લાગે છે. સામાન્ય જનતા અને ઘણા અંશે અન્ય શાખાના ડૉક્ટરોમાં પણ આ શાખાની ઉપયોગિતાનું જ્ઞાન ઓછું હોય છે. તેથી આ શાખાનો ઉપયોગ દર્દીઓના ભલા માટે જેટલો થવો જોઈએ એટલો થઈ શકતો નથી, અને દર્દીઓને પ્લાસ્ટિક સર્જરીથી જેવું પરિણામ મળી શકે તેના કરતાં ઓછું પરિણામ મળે છે.
આ સમસ્યાનું એક જ સમાધાન જણાય છે: સમાજમાં પ્લાસ્ટિક સર્જરી વિશેનું જ્ઞાન ફેલાવવું, જેથી દર્દીઓ અને પ્રાઈમરી ટ્રીટમેન્ટ આપનારા ડૉક્ટરો યોગ્ય માહિતી મેળવી શકે અને પ્લાસ્ટિક સર્જરી શાખાનો લાભ લઈ પોતાની તકલીફોથી મુક્તિ મેળવે. આ પુસ્તિકા લખવા પાછળનો આ મુખ્ય હેતુ છે.
પ્લાસ્ટિક સર્જરી એ જનરલ સર્જરીથી આગળ ત્રણ વર્ષનો સુપરસ્પેશિયાલિટી અભ્યાસક્રમ છે. ન્યુરોસર્જરી, કેન્સર સર્જરી અને પીડીયાટ્રીક સર્જરીની જેમ જ મેડીકલની આ એક અદ્ભુત અને ઉપયોગી શાખા છે.
સામાન્ય રીતે સમાજમાં આ શાખા વિશેનું સાચું જ્ઞાન ઘણું ઓછું છે અથવા ઘણા ભ્રમ છે, જેમ કે:
લોકોમાં આવા ભ્રમ હોવાનાં ઘણાં કારણો છે:
પ્લાસ્ટિક સર્જરીની ઉપયોગિતા માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીના દરેક બહારી અવયવ માટે હોય છે. ગાયનેક (જાતિ સંબંધિત), પીડીયાટ્રીક્સ (ઉંમર સંબંધિત) કે આંખ, મગજ અને હૃદયના ડૉક્ટરો (અવયવ સંબંધિત)ની જેમ તેને કોઈ એક વિભાગ સાથે જોડી શકાતી નથી. તેથી "પ્લાસ્ટિક સર્જરી" શબ્દ સાંભળીને દર્દીઓને તેની ઉપયોગિતાનો ખ્યાલ આવતો નથી.
ખરી હકીકત એ છે કે "પ્લાસ્ટિક"નો અર્થ થાય છે એવી વસ્તુ જેને મનગમતો ઘાટ આપી શકાય. પ્લાસ્ટિક સર્જરીમાં શરીરની જ વિવિધ માંસપેશીઓને જરૂર પ્રમાણે આકાર આપીને તે જ જગ્યાએ અથવા શરીરના અન્ય ભાગમાં થયેલી ઈજા, ઘા, જન્મજાત ખોડખાંપણ અથવા કદરૂપાપણાની સારવાર કરવામાં આવે છે. દા.ત. પગનું હાડકું લઈ જડબું બનાવવું, અથવા પેટની ચામડી લઈને કેન્સર પછી કાઢી નાખેલું સ્તન ફરીથી બનાવવું.
છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં મેડીકલની અન્ય શાખાઓની જેમ આ શાખામાં પણ ઘણી નવી શોધ અને પરિવર્તન આવ્યાં છે. ક્લેફ્ટ-ક્રેનીયોફેશીયલ, મેક્સીલોફેશીયલ, કોસ્મેટીક, માઈક્રોવાસ્ક્યુલર, હેન્ડ સર્જરી, ટ્રોમા રીકન્સ્ટ્રક્ટીવ, કેન્સર રીકન્સ્ટ્રક્શન અને બ્રેકીયલ પ્લેક્સસ જેવા વિભાગો હાલમાં જનરલ પ્લાસ્ટિક સર્જરીમાં જ આવરી લેવામાં આવે છે.
પ્લાસ્ટિક સર્જનો દ્વારા થતાં ઓપરેશનોને મોટેભાગે નીચેના વિભાગોમાં વહેંચી શકાય:
જન્મજાત ખોડખાંપણોમાં મુખ્યત્વે આ તકલીફો આવે છે:
ફાટેલા હોઠની સારવાર ૩ મહિના પછી, તાળવાની સારવાર ૯ થી ૧૫ મહિના વચ્ચે અને ન બનેલા કાનની સારવાર ૬ થી ૭ વર્ષની ઉંમરે ઓપરેશનથી થઈ શકે છે. હાથ-આંગળાની તથા લિંગની ખામીઓ માટે ૨ થી ૨.૫ વર્ષની ઉંમરે ઓપરેશન કરવામાં આવે છે.
જન્મજાત ખોડખાંપણ માટે પ્રાથમિક સલાહ બાળક જન્મે ત્યારે જ લેવી આવશ્યક છે. આગળ થયેલા તથા રહી ગયેલા ઓપરેશનની ખામી પણ ફરીથી પ્લાસ્ટિક સર્જરી દ્વારા દૂર કરી શકાય છે.
દાઝેલા કેસમાં પ્લાસ્ટિક સર્જરી દ્વારા સારવાર કરાવવાથી પરિણામમાં સારો એવો ફરક આવે છે. ઘા રૂઝાવાનો સમય ઘટે છે અને દાઝ્યા પછી રહી જતી ખામીઓ પણ મહદ્અંશે ઘટાડી શકાય છે.
ચામડીની ઊંડાઈમાં બીજી ડીગ્રીનું દાઝેલું હોય ત્યારે કોલેજન (બનાવટી ચામડીનું ડ્રેસીંગ) મૂકવાથી તરત જ દુઃખાવામાં ફરક પડે છે અને ૭ થી ૧૪ દિવસમાં ચામડી આવી જાય છે. તે ઉપરાંત ડાઘ થવાની શક્યતા પણ ઘટી જાય છે.
ત્રીજી ડીગ્રી (ચામડીની આખી ઊંડાઈ) બળી ગઈ હોય ત્યારે રૂઝ માટે ચામડી લગાવવાનું ઓપરેશન આવશ્યક થઈ જાય છે. તેનાથી ગળું, હાથ, પગ, બગલ વગેરે ચોંટી જવાનું તથા ઘા મસાઈને ઊંચો આવવાની પ્રક્રિયા (કેલોઈડ) ઘણા અંશે રોકી શકાય છે.
આગળની સારવારમાં રહી ગયેલી ખામીઓ (ચોંટી ગયેલા આંગળા, ગરદન, બગલ), ડાઘા અને ઊંચી ચામડીની સારવાર પણ પ્લાસ્ટિક સર્જરીથી થઈ શકે છે. ટાઈટ કે ઊંચી આવેલી ચામડી કાઢીને નવી ચામડી બેસાડવાથી દેખાવ ઉપરાંત કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે.
આગની જ્વાળાથી દાઝેલા દર્દી ઉપરાંત કેમીકલ (એસીડ) થી દાઝેલા દર્દીની સારવાર પણ પ્લાસ્ટિક સર્જન કરે છે.
ઈલેક્ટ્રીક કરંટથી દાઝવાની સારવારમાં પણ પ્લાસ્ટિક સર્જન નિષ્ણાંત હોય છે. કરંટનો ઘા સમયની સાથે ઊંડો જતો હોવાથી ઈજાના દિવસે કેટલું ઊંડું બળ્યું છે તે કહેવું મુશ્કેલ છે, અને ઘા ચામડી ઉપરાંત માંસપેશી અને હાડકા સુધી ઊતરેલા હોય છે. તેથી તેમાં સાદી ચામડી કરતા જાડી ચામડી (Flap) ની જરૂર પડે છે. ખૂબ ઊંડી ઈજામાં કરંટ લાગેલો અવયવ કાપી નાખવો પણ પડી શકે છે.
નાની ઉંમરમાં સ્તનના ભાગે દાઝવાથી મોટી ઉંમરે સ્તનનો વિકાસ રૂંધાય છે. તે માટે ચામડી છૂટી કરવા ઉપરાંત બળી ગયેલા નીપલ-અરીયોલા પણ પ્લાસ્ટિક સર્જરીથી બનાવી શકાય છે.
પ્લાસ્ટિક સર્જરીનો ઉદ્ભવ મુખ્યત્વે બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકોને થયેલા ઘા મટાડવાની કોશિશમાંથી થયો છે. તેથી કોમ્પ્લેક્ષ (ખરાબ રીતે ઘવાયેલા) અથવા નોન હીલીંગ (ન રૂઝાતા) ઘાની સારવાર માટે પ્લાસ્ટિક સર્જનોને નિષ્ણાંત માનવામાં આવે છે. ઘાને ખરાબ થતો રોકવા, જલ્દી મટાડવા, ઈન્ફેક્શન રોકવા તથા નિશાન ઓછા કરવા માટે પણ પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ થાય છે.
એક્સીડન્ટથી થતી ઈજાઓને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય:
આ ઈજાઓ એકલી અથવા જુદા જુદા કોમ્બીનેશનમાં પણ હોઈ શકે છે.
ચામડીની ઈજા (Skin Injury): એક્સીડન્ટથી ચામડીના સામાન્ય ઘાથી લઈને આખા પગની ચામડી નીકળી જાય ત્યાં સુધીની ઈજાઓ થાય છે. ચામડીના ઘાના ટાંકા પ્લાસ્ટિક સર્જરીથી લેવામાં આવે તો પરિણામ સારું આવે છે.
પ્લાસ્ટિક સર્જરીના નિશાન બિલકુલ રહેતા નથી એ માન્યતા આંશિક રીતે જ સાચી છે. ચામડીના બીજા પડ કરતા ઊંડો ઘા પડે તો તેનું નિશાન રહે જ છે. પરંતુ પાતળા ટાંકા, ચામડી રીપેર કરવાની સ્પેશિયલ ટેકનીક તથા ચામડીની કુદરતી ગોઠવણના જ્ઞાનને કારણે નિશાન ખૂબ ઓછા દેખાય છે.
ઘા બીજા દિવસથી જ સારો દેખાવા માંડે એવું હોતું નથી. ૩ થી ૫ મહિના માલીશ કરવાથી ઘા ઓછો દેખાય છે. ડાઘ મટાડવાની કોઈ જાદુઈ ક્રીમ હાલમાં ઉપલબ્ધ નથી; સમય અને માલીશ જેવી દવા કોઈ નથી. એક્સીડન્ટમાં કપાઈ ગયેલા કાન, નાક વગેરે પણ પ્લાસ્ટિક સર્જરીથી ફરી બનાવી શકાય છે.
ઘાના ટાંકા પ્લાસ્ટિક સર્જરીથી ન લીધા હોય, અથવા ઈજાના પ્રકારને કારણે ડાઘ રહી ગયા હોય, તો સ્કાર રીવીઝન નામની પ્લાસ્ટિક સર્જરીથી તે ઓછા કરી શકાય છે. આઈબ્રો, આંખ, હોઠ, નાક વગેરેની નજીકના ઘાની રીપેર પ્લાસ્ટિક સર્જરીથી કરાવવાથી કોઈ ભાગ ખેંચાઈ જવાની શક્યતા નહીંવત થઈ જાય છે. તેથી ચહેરાના કોઈપણ ઘા માટે પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ વરદાનરૂપ છે.
ટ્રક, ટ્રેન જેવા મોટા એક્સીડન્ટમાં હાથ-પગની ખૂબ મોટા વિસ્તારની ચામડીને નુકસાન થાય છે, અને ફ્રેક્ચર ઉપરાંત લોહીની નળી તથા ચેતાની ઈજા પણ થઈ શકે છે. આવા કેસમાં પહેલા ઓપરેશનથી જ પ્લાસ્ટિક સર્જનને સાથે રાખવાથી ઘાની સફાઈ, ખૂલી ગયેલા હાડકા-સાંધા ઢાંકવા ઉપરાંત એક જ ઓપરેશનમાં લોહીની નળી અને ચેતા રીપેર કરવાનું શક્ય બને છે. ચામડીનું કવર જલદી મળવાથી ઈન્ફેક્શન અને હાડકા-માંસપેશીનો સડો ઘણા અંશે રોકી શકાય છે, અને મોટી ઈજાવાળા હાથ-પગ કપાવવામાંથી પણ બચાવી શકાય છે.
ધમની-શિરા (લોહીની નળી)ની ઈજાની સારવાર પ્લાસ્ટિક સર્જરીની ટ્રેનિંગનો એક ભાગ છે. હાથ-પગની મુખ્ય નળી ઉપરાંત આંગળાના ટેરવા સુધીની નળીને જોડવાની માઈક્રોવાસ્ક્યુલર સર્જરી પ્લાસ્ટિક સર્જરીનું અનન્ય અંગ છે. તેનાથી કપાઈ ગયેલી લોહીની નળીઓ જોડીને હાથ, પગ અને આંગળાને નવજીવન આપી શકાય છે.
લોહીની નળીની ઈજા ત્રણ પ્રકારની હોય છે:
આ દરેક કેસમાં ત્વરિત તપાસ કરીને દર્દીને માઈક્રોવાસ્ક્યુલર સર્જન પાસે મોકલવામાં આવે તો હાથ-પગ બચાવી શકાય છે. જો ૬ થી ૭ કલાકથી વધુ મોડું થાય તો તે ભાગની માંસપેશીને કાયમી નુકસાન થઈ જાય છે. આવા કેસમાં પાછળથી નળી જોડવી શક્ય રહેતી નથી, કારણ કે મરેલી માંસપેશીનું ઝેર આખા શરીરમાં ફેલાઈને કિડની અને ફેફસાં પર ખરાબ અસર કરે છે અને દર્દીના જીવનું જોખમ ઊભું થાય છે.
સામાન્ય રીતે કાચ-પતરા જેવી તીક્ષ્ણ વસ્તુ વાગવાથી, મુંઢમાર પડવાથી, મશીનમાં ઈજા થવાથી કે મોટાં હાડકાંના ફ્રેક્ચર સાથે લોહીની નળીની ઈજા થાય છે. હાથ, પગ, આંગળા, લિંગ કે કાન સંપૂર્ણપણે અલગ થઈ ગયા હોય તો પણ નિયત સમયમાં ધમની સાથે ધમની, શિરા સાથે શિરા, હલનચલનની નસ, હાડકાં અને ચેતા જોડી દેવામાં આવે તો તે ભાગ ફરી જીવિત થઈ શકે છે અને કામ પણ કરે છે. ધારદાર વસ્તુથી કપાયેલા ભાગને જોડવાનું પરિણામ ખેંચાઈ-દબાઈને કપાયેલા ભાગ કરતાં સારું આવે છે.
કપાયેલો ભાગ ફરી જોડી શકાય તે માટે તેને આ રીતે સાચવીને લાવો:
કપાયેલા ભાગને સીધો બરફના સંપર્કમાં મૂકવાથી તેનું તાપમાન 0° સે. થઈ જાય છે અને તે થીજી જાય છે, જેથી તે જોડી શકાતો નથી. સીલ કરેલી કોથળીમાં રાખવાથી તાપમાન આશરે ૪ થી ૫° સે. રહે છે અને ભાગ જોડવાને લાયક રહે છે.
માઈક્રોવાસ્ક્યુલર સર્જરીથી ભાગ જોડવાની સમય મર્યાદા (કપાઈ ગયા પછી):
| કપાયેલો ભાગ | સમય મર્યાદા |
|---|---|
| આંગળા-અંગૂઠા | ૧૫ થી ૧૬ કલાક |
| કાંડા-ઘૂંટી | ૮ થી ૧૦ કલાક |
| કોણીથી ઘૂંટણની નીચે | ૬ થી ૭ કલાક |
| કોણીથી ઘૂંટણથી ઉપર | ૨ થી ૪ કલાક |
ઇમરજન્સીમાં માઈક્રોસર્જરી માટે સંપર્ક: ડૉ. આશુતોષ શાહ 98795 46805 અથવા એલિગન્સ ક્લિનિક +91 83205 00350.
એક્સીડન્ટ થાય ત્યારે માઈક્રોવાસ્ક્યુલર સર્જન પાસે જતા પહેલાં ફોનથી જાણ કરવાથી તેઓ તેમની ટીમ સાથે તૈયાર રહે છે, જેથી હોસ્પિટલ પહોંચ્યા પછીનો સમય બગડતો અટકાવી શકાય છે.
માઈક્રોવાસ્ક્યુલર સર્જરીથી કપાયેલા ભાગ જોડવા ઉપરાંત ઈજાથી થયેલા મોટા ઘા, ખુલ્લા હાડકા-સાંધા અને પેટ-છાતીના ભાગને ઢાંકવા માટે ફ્રી ફ્લેપ નામની સર્જરીથી અશક્ય ગણાતા ઘા પણ ભરી શકાય છે. મગજની ચેતાની ઈજા સમયસર પ્લાસ્ટિક સર્જન પાસે રીપેર કરાવવાથી ખૂબ સારું પરિણામ મળે છે. સમયસર રીપેર ન થઈ શકેલી ચેતા માટે કામકાજ પાછું ચાલુ કરવાના વિવિધ ઉપાયો પણ છે. હાથની મુખ્ય ચેતાઓની ઈજા (Brachial Plexus Injury)ની સારવાર પણ પ્લાસ્ટિક સર્જન કરે છે.
પ્લાસ્ટિક સર્જરીનો આ વિભાગ કેન્સરની ગાંઠ કાઢી નાખ્યા પછી થતી ખાલી જગ્યા ભરીને સારો દેખાવ અને શક્ય તેટલું સારું કાર્ય પાછું મળે તે માટે કામ કરે છે. કેન્સર સર્જન જ્યાં જ્યાં કેન્સરના કણો હોય તે ભાગ કાઢી નાખે છે, અને તે ભાગ પાછો બનાવવો એ મોટો પડકાર હોય છે.
મોંના કેન્સરમાં ચામડી, ગાલની માંસપેશી, અંદરની લાલ ચામડી અને કોઈકવાર જડબાનું હાડકું પણ કાઢવું પડે છે. જીભના કેન્સરમાં આખી કે અડધી જીભ કાઢી નખાય છે. ચહેરાના કેન્સરમાં આંખ, નાક કે હોઠની નજીક મોટો ખાડો પડે છે, જે વ્યવસ્થિત રીતે ન બનાવવામાં આવે તો ચહેરો વિકૃત બને છે અને દર્દી ખાવાનું પણ બરાબર ખાઈ શકતો નથી. પ્લાસ્ટિક સર્જરીથી આવા ભાગ વ્યવસ્થિત રીતે બનાવી શકાય છે.
માઈક્રોવાસ્ક્યુલર સર્જરીની મદદથી હવે કોમ્પ્લેક્સ ડિફેક્ટ (એકથી વધુ માંસપેશીનો ખાડો) પણ હાડકા માટે હાડકું, માંસ માટે માંસ અને ચામડી માટે ચામડીથી ભરી શકાય છે. મોટે ભાગે એક જ ઓપરેશનમાં કેન્સર કાઢવાનું અને તે ભાગ ફરીથી બનાવવાનું હવે શક્ય છે. જીભ ફરી બનાવવાથી કોળિયો ગળવામાં અને બોલવામાં મદદ મળે છે. નવું જડબું મળવાથી સામેની બાજુના દાંતથી ચાવી શકાય છે, ચહેરો પહેલાં જેવો દેખાય છે અને બોલવાનું ચોખ્ખું રહે છે. છ મહિના પછી નવા હાડકામાં દાંત બેસાડી શકાય છે, જેથી દર્દી પહેલાંની જેમ જીવન જીવી શકે.
યુવાન સ્ત્રીઓમાં સ્તન (બ્રેસ્ટ) કેન્સરના કિસ્સા વધી રહ્યા છે. સ્તન કાઢી નાખ્યા પછી આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે; આવા કેસમાં માઈક્રો સર્જરી અથવા સાદી પ્લાસ્ટિક સર્જરીથી સ્તન ફરીથી બનાવી શકાય છે, જેથી દેખાવ ઉપરાંત માનસિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થાય છે.
પ્લાસ્ટિક સર્જનોને ન રૂઝાતા ઘા મટાડવામાં નિષ્ણાત ગણવામાં આવે છે. પગમાં પડતા અને લાંબા સમયથી ન મટતા ચાંદા (અલ્સર)ની સારવાર પણ પ્લાસ્ટિક સર્જરીથી થાય છે. આવા ચાંદા ડાયાબિટીસ, વેરિકોઝ વેઇન, લેપ્રસી (રક્તપિત્ત), વિવિધ ઇન્ફેક્શન, સાંધાના વા (આર્થ્રાઇટિસ) તથા ટી.બી. (ક્ષયરોગ)માં થતા હોય છે.
ડાયાબિટીસ: લાંબા સમયે ચેતાઓ તથા લોહીની ઝીણી નળીઓ જામ થઈ જવાથી પગમાં ચાંદા પડે છે. યોગ્ય સારવાર ન મળે તો ઇન્ફેક્શન ફેલાઈને પગ કાપવા સુધીની નૌબત આવી શકે છે. શરૂઆતથી જ પ્લાસ્ટિક સર્જનની સારવાર લેવાથી ચાંદાને મોટા થતા રોકી શકાય છે અને પગ કાપવામાંથી બચી શકાય છે, કારણ કે ઘાની ઊંડી સફાઈ અને ઘાને ઢાંકવાનું કામ પ્લાસ્ટિક સર્જન સારી રીતે કરી શકે છે. ચાંદું મટ્યા પછી ફરી ન થાય તે માટે ખાસ બૂટ-સેંડલ પણ બનાવી શકાય છે.
વેરિકોઝ વેઇન: પગનું લોહી હૃદય તરફ લઈ જતી નળીઓ વાંકીચૂંકી અને પહોળી થઈ જાય છે. તેનાથી ઘૂંટી આસપાસનો ભાગ કાળો પડે છે અને ખંજવાળ આવે છે. સારવાર ન કરવામાં આવે તો ન મટે એવા ચાંદા પડે છે. પહોળી થયેલી નળીઓ કાઢી નાખ્યા પછી ઘા મટાડવા સ્કિન ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે.
અન્ય ન મટતા ઘા: બાયપાસ સર્જરી પછી ખુલી જતા છાતીના ટાંકા અને તેનાથી પડતા ઊંડા ઘા, તથા પેરેલિસિસના દર્દીને પડતા ભાઠા (Bed sore)ની સારવાર પણ પ્લાસ્ટિક સર્જરીથી થાય છે, અને તે ફરી ન થાય તે માટે સલાહ પણ મળે છે. હાથીપગાની સારવારમાં જાડા થઈ ગયેલા પગ, વૃષણ કે લિંગને પાતળા કરીને રોજિંદા કામકાજ સરળ બનાવી શકાય છે. લાંબા સમયથી ન મટતા પાઇલોનિડલ સાઇનસની સારવાર કરીને તેને મટાડી શકાય છે અને ફરી ન થાય તેવું કરી શકાય છે.
નાકનો દેખાવ સુધારવાનું ઓપરેશન (Rhinoplasty): નાક ચહેરાના દેખાવમાં સૌથી અગત્યનું અંગ છે. વાંકુંચૂંકું, ચીબું, વધારે લાંબું-અણિયાળું કે ઊંચું નાક ઓપરેશનથી સુધારી શકાય છે. મોટાભાગના ઓપરેશન નાકની અંદરના ચીરાથી થાય છે, તેથી ચહેરા પર કોઈ નિશાન દેખાતાં નથી. દરેક માણસનું નાક અલગ હોય છે, એટલે કોઈ ફિલ્મી હીરો-હીરોઇન જેવું નાક બીજાને બરાબર બેસતું નથી; દર્દીના ચહેરાને બંધ બેસતો સુધારો જ સારો લાગે છે. આ ઓપરેશન સાથે વાંકા પડદાનું ઓપરેશન પણ થઈ જતું હોવાથી શ્વાસ લેવામાં પડતી તકલીફમાં પણ સુધારો આવે છે.
આંખની આસપાસની સર્જરી (Eye and Periorbital Surgery): બાળકોમાં જન્મજાત એપિકેન્થલ ફોલ્ડ કાઢીને આંખને નોર્મલ આકાર આપી શકાય છે. ઉંમરને કારણે લચી પડેલી પાંપણની ચામડી કાઢીને ટાઈટ કરવાની સર્જરીને બ્લેફરોપ્લાસ્ટી (Blepharoplasty) કહે છે, જેનાથી આંખનો દેખાવ સુધરે છે અને ઉંમર ઓછી દેખાય છે. વધુ પડતી ચરબીના જમાવાથી આંખની આસપાસ થતી ઝેન્થેલેસ્મા નામની ગાંઠ, અને ચરબી કે હાડકાની ગાંઠ પણ કોસ્મેટિક સર્જરીથી કાઢી શકાય છે.
હોઠ (Lip Augmentation): હોઠને પાતળા કે જાડા કરવા કોસ્મેટિક સર્જરી કરી શકાય છે. ભરાવદાર હોઠ માટે ફેટ ટ્રાન્સફર સર્જરી કરવામાં આવે છે, અથવા વિવિધ જાતના ફિલર ભરી શકાય છે.
હડપચી અને જડબું (Chin Surgery): હડપચીના આકારમાં થોડો ફેરફાર કરવાથી ચહેરો ખૂબ સુંદર બની શકે છે. તે માટે અંદર હાડકું અથવા ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે; જડબાના આકારમાં પણ આ રીતે ફેરફાર થઈ શકે છે. દબાઈ ગયેલા અથવા ઉંમરને કારણે લચી પડેલા ભાગમાં ચરબી ભરીને (ફેટ ટ્રાન્સફર) પણ ચહેરાનો દેખાવ સુધારી શકાય છે.
ફેસ લિફ્ટ, કાન અને ચામડી: ચહેરા પર લચી પડેલી માંસપેશી અને કરચલીઓ માટે ફેસ લિફ્ટનું ઓપરેશન થાય છે. કાન વીંધાવવા, ફાટેલી બૂટ ફરી ન ફાટે તે રીતે જોડવા અને સુપડા જેવા કાનને નોર્મલ આકાર આપવા જેવી સર્જરી પણ થાય છે. ચહેરા પરના તલ, મસા, ડાઘ, વાગેલાના, દાઝેલાના, પાકેલાના કે ખીલના નિશાન પણ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરીથી ઘણા અંશે સારા કરી શકાય છે.
પુરુષોમાં સ્તનનો વિકાસ (ગાયનેકોમેસ્ટિયા): પુરુષોમાં ઘણીવાર ૧૫ થી ૨૦ વર્ષની ઉંમરે છાતી પર સ્ત્રી જેવા સ્તનનો વિકાસ જોવા મળે છે, જેને ગાયનેકોમેસ્ટિયા કહે છે. આ સામાન્ય બાબત છે, પણ તેના કારણે યુવાન છોકરાઓ હોસ્ટેલ કે સ્કૂલમાં કપડાં બદલતાં શરમાય છે અને તણાવનો ભોગ બને છે. જિમમાં કસરતથી આ ચરબી ઓગળતી નથી; ઊલટું, છાતીની માંસપેશી વધવાથી સ્તનવાળો ભાગ વધારે આગળ આવેલો લાગે છે. આ ખામી લાઇપોસક્શન અને સર્જરીથી સારી કરી શકાય છે. સર્જરી પછી ૧ થી ૩ મહિના લચી પડેલી ચામડીને પાછી ખેંચવા જેકેટ પહેરવું પડે છે. લાઇપોસક્શનમાં ૪-૫ મિ.મી.થી મોટો કાપો પડતો નથી, તેથી નિશાન દેખાતાં નથી.
મોડલિંગ કે અન્ય વ્યવસાય માટે છાતી પરના વાળ કાયમી દૂર કરવા લેસર હેર રિમૂવલ કરવામાં આવે છે, જેથી વારંવાર શેવિંગ કરવું પડતું નથી. પેટ આગળની ચરબી કસરતથી સૌથી છેલ્લે ઓછી થાય છે; સિક્સ પેકનો આકાર ઝડપથી મેળવવા સુપરફિશિયલ લાઇપોસક્શન કરી શકાય છે.
સ્ત્રીઓ માટે બ્રેસ્ટ ઓગમેન્ટેશન: સ્તનનો પૂર્ણ વિકાસ ન થયો હોય તેવા કેસમાં સ્તનની અથવા છાતીની માંસપેશીની પાછળ સિલિકોનનો ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે, જેથી સ્તન ઊંચા અને ભરાવદાર લાગે છે. સ્પર્શથી પણ સર્જરીની ખબર પડતી નથી, અને કાપો એવી જગ્યાએ મૂકાય છે કે તે છુપાઈ જાય.
સામાન્ય જનતામાં એવી ગેરમાન્યતા છે કે સિલિકોન ઇમ્પ્લાન્ટથી સ્તનનું કેન્સર થાય છે, પરંતુ હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે કે સિલિકોન ઇમ્પ્લાન્ટથી સ્તનના કેન્સરના દરમાં કોઈ વધારો-ઘટાડો થતો નથી. આ સર્જરી સ્ત્રીઓને સ્ત્રીત્વ પાછું આપે છે અને તેમનો આત્મવિશ્વાસ વધારે છે.
બ્રેસ્ટ લિફ્ટ: યુવાનવયમાં ભરાવદાર સ્તન હોય તેવી સ્ત્રીઓના સ્તન ઉંમર વધતાં અને પ્રેગનન્સી પછી લચી પડે છે, અને નીપલ-અરીયોલાનો ભાગ પણ નીચે જાય છે. આવા કેસમાં બ્રેસ્ટ લિફ્ટ સર્જરીથી સ્તનને ફરીથી સરસ આકાર આપી શકાય છે.
બ્રેસ્ટ રિડક્શન: ઉંમર સાથે, પ્રેગનન્સી પછી અથવા ક્યારેક યુવાનીમાં હોર્મોનનું બેલેન્સ બગડવાથી સ્તન ખૂબ મોટા થઈ જાય છે. તેનાથી ગરદનનો દુઃખાવો, બ્રાના પટ્ટાથી ખભા પર કાપા પડવા અને ફૂગનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે; માપના કપડાં મળતાં નથી અને સ્ત્રીઓ બહાર નીકળવાનું ટાળે છે. બ્રેસ્ટ રિડક્શનથી સ્તનને શરીરના પ્રમાણમાં નોર્મલ સાઇઝ કરી શકાય છે. બાળક થવાનું બાકી હોય તેવી સ્ત્રીઓમાં ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કરીને યોગ્ય પદ્ધતિ નક્કી કરવામાં આવે તો ભવિષ્યમાં બાળકને દૂધ પિવડાવવામાં તકલીફ થતી નથી.
સફેદ ડાઘ (Vitiligo): સફેદ ડાઘની પહેલાં દવા દ્વારા સારવાર થાય છે. જ્યારે દવાથી સુધારો અટકી જાય અથવા ડાઘ એક વર્ષથી વધારે સમયથી વધ્યા ન હોય (સ્થિર હોય), ત્યારે સર્જરીથી ડાઘ મટાડી શકાય છે. નવી પદ્ધતિથી ૯૮-૯૯% જેવો રંગનો મેળ થઈ શકે છે અને સર્જરી કરી હોવાની ખબર પણ પડતી નથી. કોઢ ઉપરાંત દાઝેલા કે વાગેલા ભાગના સફેદ નિશાનની પણ સર્જરી થઈ શકે છે. શરીરના વધારે ભાગમાં સફેદ ડાઘ હોય ત્યારે કોસ્મેટિક મેક-અપ પણ થઈ શકે છે.
કેલોઈડ (Keloid): દાઝેલા, વાગેલા કે કોઈ કારણ વગર મસાઈ ગયેલા અને ઊંચા આવી ગયેલા ડાઘને કેલોઈડ (હાઈપરટ્રોફિક સ્કાર) કહે છે. તેનો રંગ લાલાશ પડતો હોય છે અને તેમાં ખંજવાળ કે દુઃખાવો થાય છે. છાતીના વચ્ચેના ભાગમાં, ખભા પર અને મોંની આસપાસના કાપામાં તે થવાની શક્યતા વધુ હોય છે, અને ઘણા લોકોમાં તે વારસામાં પણ મળે છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, તેથી ૧૦૦% ઉપાય પણ નથી. પરંતુ પ્લાસ્ટિક સર્જરીથી ટ્રીટમેન્ટ લેવાથી ૮૦-૯૦% જેવો સુધારો થઈ શકે છે. કેલોઈડની સર્જરી થઈ શકતી નથી એ માન્યતા ખોટી છે; પ્લાસ્ટિક સર્જરીમાં તેની વ્યવસ્થિત સર્જરી કરીને સારાં પરિણામ મળે છે.
સ્કાર રીવિઝન (Scar Revision): ચહેરા અને શરીરના અન્ય ભાગના દાઝેલા, વાગવાના, જન્મજાત લાખું કે લોહીની નળીની ગાંઠના નિશાન યોગ્ય પદ્ધતિથી કાઢી શકાય છે. ડાઘાવાળી ચામડી કાઢીને નવેસરથી ટાંકા લેવામાં આવે છે (સ્કાર એક્સિઝન, પ્રાઇમરી ક્લોઝર). મોટા ડાઘ માટે તબક્કાવાર એક્સિઝનની પદ્ધતિ વપરાય છે, અથવા ટીસ્યુ એક્સપાન્શનથી સારી ચામડી વધારીને ડાઘાવાળી ચામડીની જગ્યાએ મૂકવામાં આવે છે. વધુ પડતા તલ, મસા, ચરબી કે હાડકાની ગાંઠ કાઢવા માટે પણ કોસ્મેટિક સર્જરી થઈ શકે છે.
બોટોક્સ: બોટોક્સ માંસપેશીને થોડા સમય માટે આરામ આપે છે. કરચલી પાડતી માંસપેશી પર ઓછા ડોઝમાં કાળજીપૂર્વક વાપરવાથી ચહેરા પરની કરચલી ઓછી થાય છે અને ચહેરો યુવાન દેખાય છે. એક ઇન્જેક્શનની અસર આશરે ૩ મહિના રહે છે, તેથી ફરી લેવું પડે છે. જડબાના ભાગને પાતળો દેખાડવા અને હાથ-બગલનો વધુ પડતો પરસેવો રોકવા માટે પણ બોટોક્સ વપરાય છે.
ફિલર: ફિલર શરીરની અંદર ખાલી જગ્યા ભરીને દેખાવ સુધારે છે. તે કુદરતી ચરબી, હાયલુરોનિક એસિડ કે કૃત્રિમ મટીરિયલના હોય છે. કેટલાક ફિલર આશરે ૧ વર્ષમાં શરીરમાં શોષાઈ જાય છે, તેથી ફરી લગાવવા પડે છે. મોટી કરચલીઓ, ખાડા, પાતળા હોઠ, હડપચી કે ગાલ ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. ચહેરાના ફ્રેક્ચર પછી દબાયેલા ભાગ (નાક, કપાળ, હડપચી) પણ આ રીતે સુધારી શકાય છે.
ડર્માએબ્રેઝન અને માઈક્રોડર્માએબ્રેઝન: ડાઘા-ખાડાવાળી ચામડીનું ઉપરનું પડ ઘસીને કાઢવાથી નવી સુંદર ચામડી આવે છે. આ કામ મેન્યુઅલી, માશીન અને ડાયમંડ બર, કેમિકલ પીલ અથવા લેસરથી થાય છે; નવી ચામડી આવતાં ૭-૧૦ દિવસ લાગે છે. માઈક્રોડર્માએબ્રેઝન ઓપીડી પ્રોસીજર છે, જેમાં ચામડીનું માત્ર ઉપરનું પડ ઘસીને મરેલા કોષો દૂર થાય છે; ૨૦ મિનિટમાં સામાન્ય લાલાશ જતી રહે છે અને ચહેરો તેજસ્વી બને છે.
લેસર: લેસર (Light Amplification by Stimulated Emission of Radiation) એક ખાસ પ્રકાશ છે, જે તેની તરંગ લંબાઈ પ્રમાણે શરીરના પાણી, મેલેનિન, લોહીના લાલ રંગ કે છૂંદણાના રંગને નિશાન બનાવી નાશ કરે છે. દરેક લેસર (CO2, Nd-YAG, Erbium) અલગ પદાર્થને અસર કરે છે, તેથી એક જ લેસર બધી સારવાર માટે ઉપયોગી નથી. લેસરથી:
લેસર જાદુ નથી. યોગ્ય ઉપયોગથી સારું પરિણામ આવે છે, પરંતુ દરેક રોગમાં લેસર થઈ શકતું નથી, અને ખોટા ઉપયોગથી ચામડી બગડવાનો ભય પણ રહે છે. સુંદર દેખાવું કે તેના માટે પ્રયત્ન કરવો એમાં કંઈ ખોટું નથી, પરંતુ સુંદરતા માટેની ઘેલછા ખોટી છે.
ના. "પ્લાસ્ટિક" એટલે આકાર આપવો. પ્લાસ્ટિક સર્જરીમાં શરીરની જ ચામડી, માંસપેશી કે હાડકાને આકાર આપીને ઈજા, ઘા કે ખોડની સારવાર થાય છે. દા.ત. પગના હાડકામાંથી જડબું બનાવવું.
જન્મજાત ખોડખાંપણ, દાઝેલાની સારવાર, એક્સીડન્ટના ઘા, કપાયેલા ભાગ જોડવાની માઈક્રોસર્જરી, જડબાના ફ્રેક્ચર, કેન્સર પછીનું પુનઃસર્જન, ન રૂઝાતા ઘા (ડાયાબિટીસ, વેરિકોઝ વેઇન) અને કોસ્મેટિક સર્જરી.
ફાટેલા હોઠની સારવાર ૩ મહિના પછી અને તાળવાની સારવાર ૯ થી ૧૫ મહિનાની ઉંમરે થાય છે. પ્રાથમિક સલાહ બાળક જન્મે ત્યારે જ લેવી જોઈએ.
ભાગને ચોખ્ખા પાણીથી ધોઈ, ભીના કપડામાં વીંટી, સીલ કરેલી પ્લાસ્ટિકની કોથળીમાં મૂકો, અને તે કોથળીને બરફવાળી બીજી કોથળીમાં મૂકો. બરફ સીધો ભાગને અડવો ન જોઈએ. તરત માઈક્રોવાસ્ક્યુલર સર્જન પાસે પહોંચો; આંગળા માટે સમય મર્યાદા આશરે ૧૫-૧૬ કલાક અને કોણીથી ઉપરના ભાગ માટે માત્ર ૨-૪ કલાક છે.
ઊંડા ઘાનું થોડું નિશાન રહે છે, પરંતુ પાતળા ટાંકા અને ખાસ ટેકનિકથી તે ખૂબ ઓછું દેખાય છે. ૩ થી ૫ મહિના માલિશ કરવાથી નિશાન વધુ ઓછું થાય છે; ડાઘ મટાડવાની કોઈ જાદુઈ ક્રીમ નથી.
ઘાની ઊંડી સફાઈ અને યોગ્ય કવરથી ચાંદું મોટું થતાં રોકી શકાય છે અને ઘણીવાર પગ કાપવામાંથી બચી શકાય છે. શરૂઆતથી જ પ્લાસ્ટિક સર્જનની સલાહ લેવી શ્રેષ્ઠ છે.
મૂળ છાપેલી પુસ્તિકાના પાના, ફોટા સાથે. કોઈપણ પાના પર ક્લિક કરો: મોટું કરીને વાંચો અને આગળ-પાછળ જુઓ.